• Sun. Mar 15th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

આણંદ જિલ્લામાં મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેશમાં સહભાગી બનવા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ

Spread the love

૨૭–૨૮ ડિસેમ્બર તથા ૩–૪ જાન્યુઆરીએ SIRની ખાસ ઝુંબેશ
બીએલઓ સવારે ૧૦થી સાંજે ૫ સુધી મતદાન મથકોએ રહેશે હાજર



આણંદ, ગુરુવાર :
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના તમામ મતદારોને ઝુંબેશમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે.

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, મત ગણતરી ફોર્મ એકત્ર કરવાની પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તા. ૧૯ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. તેથી જિલ્લાના તમામ મતદારોને પોતાના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ છે કે નહીં તેની ચકાસણી કરવી અનિવાર્ય છે.

આ ખાસ ઝુંબેશના દિવસોમાં મતદારો પોતાના મતદાન મથક ઉપર હાજર રહેનાર બીએલઓ પાસેથી નામ ચકાસણી કરાવી શકશે. આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ચકાસવા માટે ઓનલાઈન વિકલ્પ રૂપે ચૂંટણી પંચની વેબસાઈટ તેમજ રાજ્ય સરકારના પોર્ટલનો પણ ઉપયોગ કરી શકાશે. સહાયક મતદાર નોંધણી અધિકારી (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી), મતદાર નોંધણી અધિકારી (પ્રાંત અધિકારી/નાયબ કલેક્ટર) તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પણ મતદાર સહાયતા કેન્દ્ર કાર્યરત રહેશે.

જે મતદારો ગણતરી ફોર્મ ન ભરવાના કારણે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર રહી ગયા હોય તેવા પુખ્ત વયના નાગરિકોએ ફોર્મ નંબર–૬ જરૂરી પુરાવા સાથે ભરવાનું રહેશે. જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ નામ સામે વાંધો હોય તો ફોર્મ નંબર–૭ રજૂ કરી શકાશે. જેમણે ગણતરી ફોર્મમાં ૨૦૦૨ સંબંધિત વિગતો ન ભરી હોય તેમણે ઝુંબેશના દિવસોમાં માન્ય ૧૧ પુરાવાઓ પૈકીનો પુરાવો બીએલઓને સોંપવાનો રહેશે.

નોંધનીય છે કે, મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે તા. ૨૭ અને ૨૮ ડિસેમ્બર તેમજ તા. ૩ અને ૪ જાન્યુઆરીના રોજ બીએલઓ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે.

જિલ્લા કલેક્ટરએ ખાસ કરીને તે યુવા નાગરિકોને અપીલ કરી હતી કે જે ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, તેઓ પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે ફોર્મ નંબર–૬ અચૂક ભરશે.

આ રીતે સહિયારા પ્રયાસથી મતદાર યાદી શુદ્ધ અને ચોક્કસ બનાવવા માટે જિલ્લા કલેક્ટરએ આણંદ જિલ્લાના તમામ નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *