• Wed. Mar 11th, 2026

UP LIVE 24X7

India #1 News Platform

આણંદ જિલ્લાના ૨૧૬૧ પેન્શનરોએ પોસ્ટ વિભાગ મારફતે ઘેર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફીકેટનો મેળવ્યો લાભ

Spread the love


રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનર તા.૩૧ જુલાઈ સુધી આ સેવાનો લાભ વિનામૂલ્યે મેળવી શકશે- આણંદ પોસ્ટ ડિવિઝનના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ એ. જે. પરમાર


આણંદ, મંગળવારે રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલી સમજૂતી કરાર મુજબ ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પેન્શનરોને હયાતી કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને માટે Digital Life Certificate – DLC સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ઓનલાઇન ડિજિટલ સર્ટીફીકેટ ઉપલબ્ધ થાય છે, જે જિલ્લા તિજોરી અધિકારીને પણ જાણકારી મળી જાય છે. આ ઉપરાંત જે પેન્શનર ફેમિલી પેન્શન મેળવે છે, તેમને પણ હયાતીના સમયે જ પુનઃ લગ્ન કર્યા નથી તે બાબતનો પણ આ પ્રમાણપત્રમાં સમાવેશ થઈ જાય છે.


કોઈપણ પેન્શનર જેનું પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, તે ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધી આ સેવાનો લાભ લઇ શકે છે. આણંદ જિલ્લામાં અંદાજિત ૧૭,૫૦૦ જેટલા પેન્શનરો રાજ્ય સરકારનું પેન્શન મેળવે છે, તેમ આણંદના જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.


આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામના નિવૃત્ત શિક્ષક અને પેન્શનર રાવજીભાઈ પરમાર તથા ભાદરણના નિવૃત્ત શિક્ષક શંભુભાઈ વાળંદે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ વિભાગ સાથે કરવામાં આવેલ આ કરાર મુજબ અમને ઘરની બહાર ક્યાંય બેંકમાં કે તિજોરી કચેરી ખાતે હયાતી કરવા માટે જવાની જરૂર પડતી નથી,જેથી અમારા જેવા ઉંમરલાયક લોકોનો સમય અને નાણાંની બચત થાય છે અને કોઈપણ જગ્યાએ જવાની જરૂર રહેતી નથી, પોસ્ટ વિભાગના ટપાલી કે કર્મચારીઓ અમારી ઘરે આવીને ફિંગર પ્રિન્ટ અને ઓટીપી મેળવીને હયાતી કરી જાય છે, જે અમારા જેવા અસંખ્ય નિવૃત્ત પેન્શનરો માટે ફાયદાકારક સાબિત થયું છે, જેથી અમે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.

આણંદ પોસ્ટ વિભાગની શહેર અને ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ ઓફિસોમાં આજ દિન સુધીમાં ૨૭૪ પોસ્ટમેન અને બ્રાંચ પોસ્ટમાસ્ટર દ્વારા ૨૧૬૧ જેટલા પેન્શનરોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ની સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.

આ સેવાનો લાભ લેવા માટે પેન્શન ધારકો કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન તથા બ્રાંચ પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરીને વિનામૂલ્યે આ સેવાનો લાભ તા.૩૧ જુલાઈ સુધી મેળવી શકે છે, તેમ આણંદ પોસ્ટ ડિવિઝનના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ અશોક જે. પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *